દુધઈ સબ બ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી પૂરી કરવા ખેડૂતો સાથે રજૂઆત કરી.

Date : 19-04-2022

Share It On

કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકૂબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ ૬૮ કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના ૨૩ કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના ૪૫ કિલો મીટરના કામ બાકી છે. નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પૂરા કરવા વિનંતી છે કારણ કે, ૪૫ કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના ૧૦ ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઇ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે જેને રોકવા માટે પાણી અગત્યનું હોતાં બાકી રહેતા કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા ભરવા વિનંતી છે. આ વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી છે. પશુઓ માટે ટેન્કર મારફતે પાણી પહોંચે છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક નિર્ણય બદલાવીને પાઇપ લાઇનના બદલે કેનાલ બનાવે અને તેનું કામ ઝડપભેર પૂરું કરવામાં આવે તેવી અમારી માગણી છે. ઉપર મુજબના પ્રશ્ન બાબતે તા.૨૬/૪/૨૨ સુધી ફેર વિચારણા કરવામા નહીં આવે તો તા.૨૭/૪ થી વિવિધ કાર્યક્રમો કરવાની ફરજ પડશે. આ દરમિયાન કોઇપણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.